Hot Posts

6/recent/ticker-posts

સોલંકીઓનુ લુણાવાડા સ્ટેટ અને ઐતિહાસિક વારસો

લુણાવાડા સ્ટેટ ધ્વજ
પાટણ સોલંકી વંશાનુગામી મુળપુરુષ શ્રી વિરભદ્રસિંહજી સોલંકી સંવત-૧૨૮૧માં મહા સુદ-૧૫ ના શુભ દિવસે ગઢ કાલરીથી વીરપુર પધાર્યા.તેમના વંશાનુગામી ચાલુક્યવંશજ મહારાણા શ્રી ભીમસિંહજી સોલંકી સંવત-૧૪૮૯ માં વીરપુરથી દધી પટ્ટણ વસ્યા.લગભગ એક વર્ષ પછી ભીમસિંહજી સોલંકીએ વિક્રમ સંવત ૧૪૯૦ વૈશાખ સુદ-૩ ના દિવસે લુણાવાડા (લાવણ્યપુરી) નગરી વસાવી.લુણાવાડાની આજુબાજુ વેરી,પાનમ અને મહીસાગર ત્રણ નદીઓ આવેલી છે.
 
હાલ આ લુણાવાડા શહેર છે ત્યાં પહેલા ગાઢ જંગલ હતું.આ જંગલમાં નવનાથ ગોરખનાથ પંથના ષટદર્શનીય (આદેશ નાદથી સંબોધિત) દશનામી અખાડામાં લુણનાથ નામે મહંત હતા.મહારાણા શ્રી ભીમસિંહજી સોલંકી સંવત-૧૪૮૯ (ઈ.સ.-૧૪૩૩)માં દધી પટ્ટણ વસતા હતા ત્યારે આ જંગલમાં શિકાર માટે ગયેલા.જ્યાં લુણનાથ મહંતે આ પાવન ભુમી પર નગર વસાવવા માટે રાજાને કહ્યું.તેમના આદેશથી શ્રી ભીમસિંહજી સોલંકીએ વિક્રમ સંવત ૧૪૯૦ વૈશાખ સુદ-૩ ના દિવસે લુણાવાડા (લાવણ્યપુરી) નગરી વસાવીને રાજધાની બનાવી.વંશપરંપરાગત ત્યાં મહંત હાલ પણ બિરાજમાન છે.ગોધરાનું અંકલેશ્વર મહાદેવ,શહેરાનું મરુડેશ્વર મહાદેવ તથા લુણાવાડાનું રણછોડજી મંદિર આ અખાડા દ્વારા સંચાલિત મંદિરો છે.

મહારાણા શ્રી ભીમસિંહજી સોલંકી બાપુએ આ નગરી વસાવી ત્યારે રાજમહેલની અંદર ભુવનેશ્વરી માતાજીની પ્રતિષ્ઠા કરાવી.જેના 507 વર્ષ પુર્ણ થયે, કર્નલ અને 42માં મહારાણા સાહેબ શ્રી વીરભદ્રસિંહજી સોલંકી બાપુ દ્વારા ડિસેમ્બર-1981 મા 15,000 ના ખર્ચે મંદિર પર ચાંદીનો કળશ ચડાવવામા આવેલો.

લુણાવાડા નગરીમાં એક દેવલ માતાનો સ્તંભ છે.આસો માસના નવરાત્રીના નવ દિવસ એક રાવળદેવ આ સ્તંભ પર રહીને નવે નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે.દસમાં દિવસે લુણાવાડાના મહારાજ આ રાવળદેવને પારણા કરાવે છે.આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાન અને અન્ય ખર્ચ થાય તે તમામ ખર્ચ લુણાવાડાના મહારાજા શ્રી તરફથી થાય છે.હાલ લુણાવાડા સ્ટેટના 44 મા મહારાણા શ્રી સિદ્ધરાજસિંહજી સોલંકી મહારાજાના પદ પર શોભાયમાન છે.

લુણાવાડાથી લગભગ નવ કિલોમીટર દુર મધવાસમાં મધવેશ્વર મહાદેવનું મંદિર છે,જે લુણાવાડા રાજપરિવાર દ્વારા બંધાવેલ છે.આ મંદિરમાં ઈ.સ.-૧૫૮૬ નો ૧૦ પંક્તિનો અભિલેખ છે,જે રાજસ્થાનના ડો.શ્રી કૃષ્ણ જુગનુજીએ પઠન કરી આપેલ છે.જેમાં લુણાવાડાના રાજપરિવારની વિગત છે.
HH Maharana Sri SIDDHRAJSINHJI DHIRENDRASINHJI

મધવાસમાં શ્રીગૌડ બ્રાહ્મણોના કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર પણ છે.જેની પ્રતિમા ૨૦૦ વર્ષથી પણ જુની છે.મંદિર ૭૦ વર્ષ જુનું છે,જે મંદિરનો તાજેતરમાં જ જીર્ણોધ્ધાર કરેલ છે.આ મંદિરની બિલકુલ નજીકથી મહીસાગર નદી પસાર થાય છે,જેનું દ્રશ્ય ખુબ જ રમણીય છે.

લુણાવાડાથી એક કી.મી. દુર વેરી નદીના કાંઠે ઘેલીયા (ગોહેલીયા) હનુમાનજી મંદિર છે.ઘેલીયા હનુમાનની પાસે જ સંત બ્રહમલીન અવધૂત ભીમાનંદજીની સમાધી પણ છે.પંચમહાલ ગેઝેટિયર મુજબ વર્ષ ૧૮૧૭ માં હોલકરના સરદાર મોહનસિંહ અને સિંધિયાના દિવાન પાટણકારે લુણાવાડા પર આક્રમણ કર્યું.લોકો અને શાસક પરિવારે આ બંને આક્રમણકારો સામે બહાદુરીપુર્વક લડત આપી.આ સંઘર્ષ દરમ્યાન લુણાવાડાના એક અગ્રણી સરદાર મેઘરજ અને વફાદાર વણિક વ્રજદાસે પોતાના જીવની આહુતી આપી દીધી.લુણાવાડા નગરમાં રાજમહેલની પાછળ તેમની સ્મૃતિમાં કાલિકા માતાજીના ડુંગર પર એક છતરડી બનાવવામાં આવી.

લુણાવાડા ગોધરા રોડ પર ૨૦ કી.મી.દુર શહેરા તાલુકો આવેલો છે.દશનામી અખાડા-લુણાવાડા સંચાલિત મરુડેશ્વર મહાદેવનું મંદિર શહેરા નગરથી ૩ કી.મી.દુર આવેલું છે.આ શહેરા ગામમાં સોલંકીકાલીન છતરડીઓ પણ છે.જે તળાવની પાળ પર આવેલી છે.જેની સ્મૃતિઓ લુણાવાડા સ્ટેટ મહારાણા શ્રી ભીમસિંહજી સોલંકી સાથે પણ સંકળાયેલ છે.આ માહિતીમા મદદગાર તરુણભાઈ શુકલ તથા હર્ષદભાઈ કડીયાનો પણ આભાર....

સંકલન: સોલંકી જનકસિંહ દોલતસિંહ
(છનીયાર,દેત્રોજ,અમદાવાદ)
[શિક્ષક શ્રી,ઝીંઝુવાડા પ્રાથમિક શાળા]

Post a Comment

0 Comments