
મેલડી માના ધામની વાત આવે ત્યારે મહેસાણા જીલ્લાના ગામ કડીનું નામ પહેલું આવે. અગાઉ કડી ગામ વડોદરાના ગાયકવાડનાં તાબા નીચે હતું. કડીની ખેતી-વિષયક આવક ઘણી હતી. વળી વડોદરાથી ઘણું દૂર હતું. નજીકનાં વિરમગામમાં નવાબનું રાજ હતું, નવાબને અંગ્રેજો જોડે સારી દોસ્તી હતી. અંગ્રેજોની મદદથી નવાબનો કડી પરગણું વડોદરા રાજ્યથી પડાવી લેવાનો મનસૂબો હતો. પાટણમાં સૂબો હતો, પણ પાટણ કડીથી ઘણું દૂર પડતું હતું. દુરન્દેશી ધરાવતા ખાંડેરાવ ગાયકવાડે નાના ભાઈ મલ્હારરાવને કડી પરગણું ચોથા ભાગે આપી દીધું. મલ્હારરાવમાં સારા રાજવીના બધા ગુણો હતા. લડાયક મલ્હારરાવથી નાના-મોટા રજવાડાની ફે ફાટતી. મલ્હારરાવે વડોદરાથી આવી કડી સંભાળી લીધું. 'કડી સોનાની દડી' કહેવાતું ઉદ્યોગ-ધંધા, રોજગાર અને ખેતીની એટલી બધી આવક હતી કે મલ્હારરાવનો ખજાનો છલકાવા લાગ્યો. સુખ અને સમૃદ્ધિ વધવા લાગી. મલ્હારરાવે કડીમાં સાત માળનો મહેલ બનાવડાવ્યો. મલ્હારરાવ મેલડી માતાના ભક્ત હતા, તેથી મહેલનાં સાતમાં માળે મેલડી માનું સ્થાનક બનાવ્યું. રોજ સવાર-સાંજ માને દીવો કરવાનો મલ્હારરાવનો નિયમ હતો. મલ્હારરાવ અંદરથી માતાના ભક્ત હતા તો ઉપરથી એટલા જ કઠોર પણ હતા.
એનો એક કિસ્સો ઘણો જ પ્રચલિત છે. મલ્હારરાવ મેલડી માતાના ભક્ત છે એની જાણ ધીરે ધીરે પ્રજામાં થઇ. કડી નીચે તે સમયે એકસો બાવન ગામ આવતા. ગ્રામપ્રજા રાજાને સારું લગાડવા મેલડી માની પૂજા કરવા લાગ્યા. પછી ધીરે ધીરે ગામે ગામ મેલડી માના ભૂવા ફૂટી નીકળવા માંડ્યા. ચોરે ને ચોટે મેલડી માતાનો મધ અને ઠેર ઠેર મેલડી માના ભૂવા. મલ્હારરાવને થયું કે, 'પ્રજા ખોટે રવાડે ચડી છે. મને સારું લગાડવા મેલડી માને ભજે છે ; ભાવથી ભજતા નથી. માટે મારે લોકોની આંખ ઉઘાડવી પડશે, નહિ તો શ્રદ્ધા નું સ્થાન અંધશ્રદ્ધા લઇ લેશે.' આમ વિચારી મલ્હારરાવે સાતમા માળે માતાજીનાં મઢમાં એક કોળાનો વેલો વાવ્યો. વેલો મોટો થવા લાગ્યો. નાના-નાના કોળાનાં ફળ લાગવા લાગ્યા, એટલે મલ્હારરાવે કુંભાર પાસેથી એક ઘડો મંગાવ્યો. કુંભાર સમજ્યો કે બાપુને જવારા વાવવા હશે. કુંભાર ઘડો આપી ગયો. મલ્હારરાવે વેલામાં લાગેલું એક નાનકડું કોળું ઘડામાં મૂકી તેને મોટું થવા દીધું. ધીરે ધીરે મોટું થતા કોળું માટીના ઘડામાં ચપોચપ બેસી ગયું. તરત મલ્હારરાવે આખા પરગણામાં વાયક મોકલ્યું કે કડીનાં મહેલમાં માતાજીનો માંડવો છે. એમાં ફક્ત મેલડી માતાના ભૂવા હોય એને ભાવભર્યું આમંત્રણ છે.
વાયક આખા પંથકમાં ફરી વળ્યું. બની બેઠેલા મેલડી માના ભૂવા ખુશખુશાલ ચારે કડીના મહેલમાં ભેગા થવા લાગ્યા. લીંબુની ફાડ જેવી આંખો, કપાળમાં હિન્ગલોજનાં ચાંદલા, કાળા ભમ્મર શરીર, તેલ વગરના સૂકા કાબરચિતરા વાળનાં ચોટલા, ગળામાં મોટા મોટા પારાની માળાઓ. મોટા ભાગે દારુનાં વ્યસની ભૂવાઓને જોઈ મલ્હારરાવ બોલ્યા : "ભૂવાઓ, તમારે દાણા જોવા હોય તો દાણા જોઇને કે જેમ પૂછવું હોય તેમ તમે મેલડી માતાજીને પૂછીને મને જવાબ આપો કે આ મહેલના સાતમા માળે માતાજીના મઢમાં તમારી પરીક્ષા લેવા માટે મેં શું મૂકેલું છે ?" ભેગા થયેલા સવાસો ભૂવામાં સોપો પડી ગયો. શું જવાબ આપવો ? ભૂવાઓ ગે ગે ફે ફે કરવા લાગ્યા, એટલે માંલ્હારરાવે તમામ સવાસો ભૂવાને પકડીને જેલમાં પૂરી દીધા. ભૂવા મૂંજાયા. આમાંથી બચવું કેમ ? સવાસો ભૂવા એક મહિનો મલ્હારરાવની જેલમાં રહ્યા.
આ તરફ મલ્હારરાવે પણ ગામે ગામમાં તપાસ કરાવવા માંડી કે મેલડી માનો કોઈ ભૂવો પરીક્ષામાંથી બાકી નથી રહી જતો ને ? તપાસ કરતા ખબર પડી કે દેવુસણા ગામનો જીવણો બાર નામનો રબારી મેલડી માનો ભૂવો છે. જે મેલડી તે ધૂણે છે, એને દેવુસદેવુસણાનાં બારની મેલડી કહે છે. (રબારીની કોમ આને દેહુણાનાં બારની મેલડી કહે છે.). મલ્હારરાવે તરત માણસો મોકલ્યા કે જાવ જીવણો બાર જ્યાં હોય જ્યાંથી માન-સન્માન સાથે હાજર કરો. આવવાની હા-ના કરે તો બળજબરીથી લઇ આવો. સૈનિકો દેવુસણા ગયા. રબારીઓના નેસમાં જઈ પૂછ્યું કે "જીવણો બાર કોણ છે ? " નેસડામાં બૈરાઓ હાજર હતા, કહ્યું કે, "ઢોર ચરાવવા ઓતરાદી સીમમાં ગયા છે."
સૈનિકો સીમમાં ગયા અને જીવણા બારને કહ્યું કે, "ગાયકવાડ સરકારે તને કડી તેડાવ્યો છે, ચાલ." જીવણા બારે જવાબ આપ્યો કે, "ભાઈઓ, આવવાની ના નથી, પણ તમે જરા બેસો. હું મારી માતાજીની રજા લઇ લઉં." આમ કહી જીવણા બારે માથા પર પહેરેલી પાઘડીનો એક છેડો ગળામાં નાખ્યો. ખિસ્સામાંથી લાલ રૂમાલ જેવું કપડું કાઢ્યું. દાણાની પોટલી કાઢી. વડના જાડ નીચે જીવણા બારે કપડા પર જુવારના દાણાની ચપટી નાખી. દાણા ગણી જીવણો બાર હસ્યો. 'એમ વાત છે' બોલી જીવણા બારે ફરીથી ચપટી નાખી, દાણા ગણ્યા. જીવણો બાર દાણા સામે અને સૈનિકો જીવણા બાર સામે જોઈ રહ્યા. થોડી વાર પછી મૌનભંગ કરતા સૈનિકોએ કહ્યું કે, "જીવણા બાર, માતાજી શું કહે છે ?"
ધીર ગંભીર અવાજથી જીવણો બાર બોલ્યો : "મારી મેલડી માને કડી સાથે આવવું છે, જાવ જઈને તમારા શ્રીમંત સરકાર મલ્હારરાવ ગાયકવાડને કહો કે ચાર ઘોડાની બગી મોકલે." બગીનું નામ સાંભળીને સૈનિકો હસવા લાગ્યા. જીવણો બાર કહેવા લાગ્યો કે, "ભાઈઓ, તમે જેમ ચિઠી ચાકર છો. એમ હું પણ ચિઠીનો ચાકર છું. આ વાત મલ્હારરાવ અને મેલડીની વચ્ચેની છે. માટે આમાં મારું કે તમારું ડહાપણ નહિ ચાલે. બોલો, શું કરવા માગો છો ?" સૈનિકોને જીવણા બારની વાતમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. મારતે ઘોડે કડી જઈ મલ્હારરાવને વાત કરી કે દેવુસણાનો રબારી મેલડી માતાનો ભૂવો છે અને દરબારમાં હાજર થવા ચાર ઘોડાની બગી મોકલવાનું કહે છે. એ કહે છે કે મારી સાથે માં મેલડી પણ કડી પધારવાના છે. માને પગપાળા ન લઇ જવાય, માટે બગી મોકલો તો આવું ! મલ્હારરાવે ચાર ઘોડાની બગીમાં બાજઠ, લાલ નવું કપડું, તાજા સુગંધી ફૂલો, અબીલ-ગુલાલ અને આસોપાલવનું તોરણ, ધૂપ-દીપની સામગ્રી લઇ બગી દેવુસણા રવાના કરી. નેસડાના અબાલ-વૃદ્ધ સૌએ જીવણા બારને વિદાય આપી. બગી કડી પહોચી. મલ્હારરાવ પોતે બગીની સામા ગયા. જીવણા બારને જોઇને થયું, આ તો છોકરું છે, જેલ ભેગો એકસો છવ્વીસમો. ભૂવા જીવણા બારને જય માતાજી કહી સન્માન આપ્યું.
જીવણો બાર બોલ્યો, "દરબાર, તમને શું સૂજયું ? સાચું કે ખોટું પણ ભૂવાઓ માં મેલડીનું નામ તો લે છે ને ! ભૂવાઓને કાં રંજાડો છો ? એક મહિનાથી એ બધાના બૈરા-છોકરા ધલવલે છે. એ બચાડાઓને એમ હશે કે સરકાર સામે કોળાને કોળું કેમ કહેવું ? અને એ પણ ઘડામાં આપે રાખ્યું છે એ તો કેમ કહેવાય ? મને પૂછો તો એવી ગુસ્તાખી હૂં પણ ન કરું. આ તો તુક્કો કહેવાય. આમાં મેલડી ક્યાંથી આવી ?"
મલ્હારરાવ છક્ક થઇ ગયા. નક્કી માં આની સાથે પરદેથી વાતો કરતા હશે. મલ્હારરાવે કહ્યું : "બોલો, જીવણા બાર, હવે શું કરવું છે ?" જીવણો બાર બોલ્યો. "એ સવાસો ભૂવાઓને જેલમાંથી મુક્ત કરો. બધાને ઇનામ - અકરામ આપો." માંલ્હારરાવે બધા ભૂવાઓને મુક્ત કર્યા. બધા સભાખંડમાં આવ્યા. જીવણો બાર બોલ્યો : "લ્યો હવે આ ઘડાને સૌ વચ્ચે લાવો." ઘડો લાવવામાં આવ્યો.
જીવણા બારે મેલડી માતાનું સ્મરણ કરી કોળાની ડીટીયાને દાતથી પકડી આખું કોળું બહાર ખેચી કાઢ્યું. ઘડો પણ અખંડ રાખ્યો. તે દિવસે કડીના મહેલમાં કોળાની પ્રસાદી વહેચાણી. મલ્હારરાવે જીવણા બારને જે જોઈએ તે માગી લેવા કહ્યું. જીવણો બાર બોલ્યો : "મારે જે જોઈએ તે મને મેલડીએ આપ્યું છે."
મલ્હારરાવથી બોલી જવાયું : "મેલડી કાઈ જમીન-જાગીર, ધન-દોલત થોડી આપે ? ભૂવાએ માગો !"
જીવણા બાર સમજી ગયો કે મલ્હારરાવે આ બોલીને માતાજીને નારાજ કર્યા છે. જીવણા બારે કહ્યું કે, "મારી ડાક ફૂટી ગઈ છે, તેને પડું બંધાવી આપો તો બસ છે."
જાહલપરની મેલડીની વાત
જ્યારે કડીનો રાજા મલાવરાવ જાહલપરની મેલડીની વાવ તોડીને તેના પથ્થર કડી લઇ જતો હતો ત્યારે મેલડી મલાવરાજાને મારવા કડી પહોંચી જ હતી. પરંતુ આ વાવનો એક પથ્થર કડી- જાહલપરની વચ્ચે નંદાસર કરીને એક ગામ છે ત્યાં પડ્યો રહ્યો હતો. આ નંદાસર ગામમાં મુસલમાનોની વસતી વધારે હતી.
આ વાતને સાત વરસથી વધારે સમય થઇ ગયો. પછી મુસલમાનની એક બાઇ આ વાવનો પથ્થર તેમના ઘરે લઇ ગઇ અને આ પથ્થર ઉપર કપડા ધોવા બેઠી. જેવી આ મુસલમાનની બાઇએ કપડા ઉપર ધોકા મારીયો કે, સાત વરસે જાહલપરની મેલડી જાગૃત બની. અને પેલી મુસલમાનની બાઇને ધુણવા આવી. અને કહ્યું કે, “ખમ્મા... ખમ્મા...હું જાહલપરની વાવની મેલડી આવી............”
ત્યારે બન્યું એવું કે, આ જ સમયે મુસલમાનોના તાજીયા નીકળ્યા હતા. એક બાજુ તાજીયા રમાઇ રહ્યા છે અને બીજી બાજુ આ મુસલમાનની બાઇ ધુણતા ધુણતા આવી અને મેલડી આ બાઇકને ત્રણ તાલે ધુણી રહી છે. એટલે બધા મુસલમાનો કહેવા લાગ્યા કે, “દૂર રહેજો આ હીન્દુની માતા ધુણે છે…..” ત્યારે આ મુસલમાનોનો નંદાસરનો સુબો જેનું નામ સૈયદ તે પણ ત્યા હાજર હતો.
આ સુબા સૈયદે વીચાર કરીયો કે, આ માતા સાચી લાગે છે. પણ પારખું લેવું પડશે. એટલે સુબાએ કીધું કે, જો તું સાચી જાહલપરની વાવની મેલડી હોય તો, મારા મન માં જે વાત છે તે કઇ દે..... જો તુ મારા મનની વાત કહી દે, તો અમારા નંદાસરના 200 ઘર મુસલમાનના છે. અમે બધા નમાજ પછી પઢશું પહેલા તારો તાવો -પુજા કરશું.
એટલે મેલડી વોરંકો લાવી આંશકો મારી બોલી કે, “સુબા સૈયદ સાંભળ...... તારે ત્રણ બીબીઓ છે અને તારી ઉંમર 60 વરસની છે. પણ તારે વસ્તાર નથી. અને તુ આ મુસલમાનની બાઇને ધુણતી જોઇને મનમાં વીચાર કરે છે કે, આ માતા મને દીકરો આપશે. તો સાંભળ મને ધુણતી જોઇને તને ભરોસો પડ્યો ને તો સુબા આજથી તુ દીવસ ગણવાના શરૂ કરી દે, 9 મહીના અને 13 દીવસે તારી ત્રણેય બીબીઓને એક સાથે, એક સમયે, એક - એક દીકરો ના આપું તો એમ માનજે કે જાહલપરના વાવની મેલડી એ આપ્યા છે. “
અને માતા મુસ્લમનને ત્રણ દીકરા આપ્યા.........આજની તારીખે પણ જાહલપરમાં મુસલમાનો નમાજ પહેલા “બડી અમ્મા…….. બડી અમ્મા.....કરી”ને મેલડીની પુજા કરે છે.
જય માઁ મેલડી રખોપા કરજે માડી..............
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

0 Comments